મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે “નિર્ભયા” કાંડને અંજામ આપનાર ચાર આરોપીઓ માંથી ૩ આરોપીઓએ શનિવારે રાત્રે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જેમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી  જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે.પોલીસે ૧૯ વર્ષીય યુવતીના અપહરણમાં વપરાયેલી આઈ-૨૦ કાર આરોપીના ઘરે થી કબ્જે લીધી હતી મોડાસા રૂરલ પોલીસે સોમવારે મોડાસા ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

મોડાસાના સાયરા(અમરાપુર)ની ૩૧ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. જે બાદ યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવાની માંગ કર્યા બાદ જ લાશનો સ્વીકાર કરવાનું જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદ ના નોંધતા વાતાવરણ તંગ બન્યુ હતું અને મોડાસામાં લોકોએ ચક્કાજામ કર્યુ હતું. 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર લોકો વિરૂદ્ધ, અપહરણ-દુષ્કર્મ અને હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનોં નોધ્યો હતો અને જેની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ગઢવીને સોપી હતી.

૧૧ જાન્યુઆરીએ રાત્રે નાટ્યાત્મક રીતે બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું મોડાસા રૂરલ પોલીસે ત્રણે આરોપીઓને મોડાસા ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરતા પોલીસ વતી સરકારી વકીલ બી.આર.પંચાલે ત્રણે આરોપીઓ પોલીસને તપાસમાં સહકાર આપતા નહિ હોવાની અને અપહરણમાં અન્ય કારનો ઉપયોગ થયો હોય અને સમગ્ર કેસમાં એફએસએલ તપાસ જરૂરી હોવાથી ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરતા આરોપી તરફી વકીલ વિજય ભરવાડે ફરિયાદમાં જે જગ્યા બતાવી છે તે જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ અમલદારને આપેલ હોવાની સહિતની રજુઆત કરતા સરકારી વકીલ અને આરોપીઓના વકીલની ધારદાર રજૂઆતના અંતે નામદાર કોર્ટે ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 

મોડાસા ડીસ્ટ્રીકટ કોર્ટમાં ત્રણે આરોપીઓને રજુ કરતા પહેલા મોટી સંખ્યામાં કોર્ટ વિસ્તારમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો આરોપીઓને કોર્ટમાં રજુ કરતા બંને પક્ષના મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.