મેરાન્યૂઝ નેવટવર્ક.ગોધરાઃ 

 

પ્રિય મોરારી બાપુ

નમસ્તે

છેલ્લા કેટલાય વર્ષોથી આપના તલગારજડા પ્રેરિત ચિત્રકૂટ એવોર્ડ દર વર્ષે શ્રેષ્ઠ કાર્ય કરનાર પ્રાથમિક શિક્ષકોને અર્પણ થાય છે. જેનું સંચાલન રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવે છે. આપના દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ શિક્ષકોને મળે એ ગર્વની વાત છે પણ દર વર્ષે આ એવોર્ડ માટે ગેરરીતિ થયાની બુમો શિક્ષક આલમમાં ચર્ચાય છે. આ એવોર્ડના માળખા મુજબ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએથી શિક્ષકોની ફાઈલ પસાર થાય છે. જિલ્લામાં કામ કરતા ઉત્તમ શિક્ષકો આમાં ફાઈલ મુકે છે પણ કોઈને કોઈ રીતે અમુક શિક્ષકોની ફાઈલો અટવાઈ દેવામાં આવે છે. કોઈ બહાનું કે ક્ષતિ કાઢી તાલુકા, જિલ્લા સંઘ ફાઈલને માળિયે ચડાવી દે છે. નિયત નમુનામાં ફાઈલ મુકવા છતાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું લવાજમ ફરજિયાત ભર્યું હોય એની ફાઈલ આગળ મોકલવામાં આવે છે. નિયમ પ્રમાણે દરેક જિલ્લામાંથી ત્રણ ફાઈલ રાજ્યમાં મોકલવાની હોય છે, પણ સંઘના હોદ્દેદાર મિત્રો કોઈક જિલ્લામાંથી બિનહરીફ એક જ ફાઈલ, કોઈ જિલ્લામાંથી બે ફાઈલ તો કોઈ જિલ્લામાંથી 3 અથવા એથી વધુ ફાઈલો મોકલી આપી પોતાનો સ્વાર્થ સાધી લે છે. અમુક શિક્ષકો એવા છે જેમને ચિત્રકૂટ એવોર્ડ મળી ચુક્યો છે. એવાઓને જિલ્લામાં પણ કોઈ ઓળખતું હોતું નથી પણ સંઘના નજીકના હોય એટલે સંઘ કહે એમ કરી ફાઈલ જમા કરી દે છે.

ફાઇલના નીતિ નિયમો ખુદ સંઘને પણ ખબર ન હોય એમ જ્યારે કોઈ શિક્ષક પુછે કે આ ફાઇલના નીતિ નિયમો કેવા છે? તો જવાબ પણ આપવામાં આવતો નથી તથા તેનો બહોળો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવતો નથી. જેથી લાયક શિક્ષકો ફાઈલ મુકવાનું ચુકી જાય છે. રાજ્ય કે જિલ્લા સંઘ સામે જે શિક્ષકો પડ્યા હોય એમની ફાઈલ પણ ધ્યાને લેવામાં આવતી નથી. ફાઈલ વિશે કોઈ શિક્ષક પુછપરછ કરે તો આ માહિતી ગુપ્ત હોવાનું જણાવી શિક્ષકોને ગુમરાહ કરવામાં આવે છે. જે શિક્ષકોની સંઘ અને રાજકારણ જોડે ઉઠક બેઠક હોય એવા શિક્ષકોની ફાઈલો પાસ થઈ જાય છે. રાજ્યમાં ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર દરેક શિક્ષકની હકીકત તપાસવામાં આવે તો એમાંથી અનેક શિક્ષકોનું શૈક્ષણિક સામાજિક કે ઈતર પ્રદાન સાવ સામાન્ય કક્ષાનું હોય છે. અમુક શિક્ષકોનું તો કામ જ કઈ હોતું નથી છતાં એમને એવોર્ડ મળી જાય છે. જેથી શિક્ષણ આલમમાં એવોર્ડ વિશે ટીકા ટિપ્પણી થતી રહે છે, જેના કારણે સંઘને તો કોઈ અસર થતી નથી પણ આપના નામનું ધોવાણ અવશ્ય થાય છે.

હું એક શિક્ષક છું અઢાર વરસથી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો એક કાવ્ય સંગ્રહ 'રમું, વિરમું છું', સંશોધન 'પંચમહાલના નાયકો', સંપાદન 'ક્યાં-રમેશ પારેખ', સહિત અનેક પુસ્તકો પ્રકાશિત થયેલાં છે, છેલ્લા અઢાર વરસથી કલેશ્વરી લોકમેળામાં સહયોગી છું, ૨૦૧૨થી કલા સાહિત્ય અને શિક્ષણનું સામયિક 'પરિવેશ'માં સંપાદક તરીકે કાર્યરત છું. અનેક સન્માનો અને એવોર્ડ પ્રાપ્ત શિક્ષક છું, હું જાણું છું ત્યાં સુધી આ તમામ વિગતો સાચી છે. હું છાતી ઠોકીને માથે રામ રાખીને કહી શકું છું કે ચિત્રકૂટ એવોર્ડમાં ખરેખર યોગ્ય શિક્ષકને મળતો નથી જ નથી એની જગ્યાએ બીજા શિક્ષકો ફાવી જાય છે. જેથી ઉત્સાહથી કામ કરનારા શિક્ષકોને ઠેસ પહોંચે છે. તો મારી રજૂઆત છે કે ઉચિત વ્યક્તિને આ વર્ષે એવોર્ડ મળ્યો છે કે નહીં તેની ખરાઈ કરી આપ એમને સન્માનિત કરશો અથવા આ બાબતે આ વર્ષે દરેક જિલ્લાના દરેક તાલુકામાંથી કેટલી ફાઈલ જિલ્લામાં આવી, જિલ્લામાંથી કેટલી ફાઈલ રાજ્યમાં આવી? એ તમામ ફાઈલો આપ એકવાર નજરે નિહાળો અને પછી યોગ્ય ઘટતું કરશો તો આવનારા સમયમાં આપના પ્રત્યે શિક્ષકોને માન ઉપજશે અને યોગ્ય શિક્ષકને ન્યાય મળે તો એવોર્ડની ગરીમા પણ વધશે.

અને જો આપ સત્યથી અવગત થશો તો આ વર્ષનો એવોર્ડ રદ કેમ ન કરવો એ બાબતે મનોમંથન કરશો જ ???

એવી અપેક્ષા સહ..

આપનો

એક શિક્ષક

એક સર્જક 

એક સામાજિક કાર્યકર

વિનુ બામણીયા

પ્રા. શિક્ષક ગોધરા. જિલ્લો,પંચમહાલ. 

મળતી માહિતી પ્રમાણે, મોરારી બાપુએ થોડા દિવસ પહેલા જ સાબરકાંઠા ખાતે બામણા ગામમાં થયેલા કાર્યક્રમમાં પોતે હેવે કોઈ ધાર્મિક, સમાજિક, શૈક્ષણિક, ઉદ્ધાટનો, વિમોચન, વગેરે જેવા કોઈ કાર્યક્રમોમાં હાજરી આપશે નહીં તેવી જાહેરાત કરી હતી અને લોકોને પણ પોતાને આમંત્રિત કરવાની ના પાડી હતી. જે અંગેનો વીડિયો અહીં દર્શાવ્યો છે.