રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ):  ગુનાઓ બને પરંતુ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં ન આવે; તેને ગુનાનું Burking- બર્કિંગ કર્યું કહેવાય. ગુનાની જાણ હોવા છતાં ગુનો છૂપાવવા પોલીસ બર્કિંગ કરે છે. પોલીસ શામાટે બર્કિંગ કરે છે? મુખ્ય કારણો આ છે : [1] થાણા અધિકારી પોતે બાહોશ છે; ગુના બનતા જ નથી ! ગુના બને તે પહેલાં જ ડામી દે છે ! આવી ઈમેજ ઊભી કરવા. [2] ગુના ઓછા દેખાય તેવું ઉપરી અધિકારીને પણ ગમે; એમની ગૂડબુકમાં ઘૂસવા મળે ! [3] રાજકીય/આર્થિક/સામાજિક સત્તાધારીને ખુશ કરી શકાય. [4] કોઈક કિસ્સામાં આરોપીને મદદ કરવાનો હેતુ હોય. [5] ફરિયાદ/પંચનામા/FSLની કાર્યવાહી/જવાબો નોંધવા/ચાર્જશીટ કરવું/કોર્ટની મુદતે હાજર રહેવું; આ બધી જફામાંથી મુક્તિ મળી જાય ! બર્કિંગના કારણે પોલીસની છાપ સૌથી વધુ ખરડાય છે. વિક્ટિમ મદદ મેળવવા પોલીસ સ્ટેશને જાય ત્યારે એને સાંભળવામાં ન આવે કે તેની ફરિયાદ નોંધવામાં ન આવે ત્યારે તેનું મન ખાટું થઈ જાય; પોલીસ પ્રત્યે ધૃણા થાય ! તમારું મોટરસાયકલ ચોરાય જાય; તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાવ અને તમારી ચોરીની ફરિયાદ પોલીસ નોંધી લે; તો તે ચમત્કાર કહેવાય ! 2004 થી 2008 સુધી હું SRPF ગૃપ-11માં સેનાપતિ હતો. 

તે દરમિયાન બર્કિંગનો મને અનુભવ થયેલ. મારા એક સંબંધીની મોટરસાયકલ સુરતના એક થીએટરના પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ. મેં PI ને કાયદેસર કાર્યવાહી કરવા માટે ફોન કર્યો; છતાં PIએ ચોરીનો ગુનો દાખલ ન કર્યો ! મને જવાબ મળ્યો હતો : “સાહેબ, જોયરાઈડિંગ માટે મોટરસાયકલ લઈ ગયા હશે, પેટ્રોલ ખૂટશે એટલે રેઢી મૂકી દેશે ! મળી જશે ! અરજી લીધી છે.” મારા સંબંધીની દલીલ હતી : “ચોરાયેલી મોટરસાયકલ દારુના/નાર્કોટિકસના ખેપિયા વાપરશે અને પકડાશે તો પોલીસ મને અટક કરશે; આવું ન થાય એટલા માટે FIR કરવી છે !” ફરિયાદી ધક્કા થાય, પોલીસ બહાના બતાવ્યા કરે ! ચોરી/લૂંટ/મર્ડર/ઈજા/ધમકી/ઠગાઈ/છેતરપિંડી વગેરે ગુનાઓમાં બર્કિંગ થાય છે. પોલીસ વિક્ટિમની ફરિયાદ નોંધતી નથી; એટલે લોકો માથાભારે/અસામાજિક તત્વોની મદદ લે છે; એમાંથી ‘લતીફ/ દાઉદ’ ઊભા થાય છે. પોલીસના બે મહારોગ છે : બર્કિંગ અને મિનિમાઈઝેશન !

મિનિમાઈઝેશન-Minimization એટલે ? ગુનાની ગંભીરતામાં ઘટાડો કરવો. બળાત્કારના ગુનો છેડતીમાં/ધાડનો ગુનો લૂંટમાં/લૂંટનો ગુનો ચોરીમાં/મર્ડરનો ગુનો અકસ્માત મોતમાં/ગંભીર ઈજાનો ગુનો સાદી ઈજામાં ફેરવવામાં આવે તેને ગુનાનું મિનિમાઈઝેશન કર્યું કહેવાય !  IPC ની જે કલમ મુજબ ગુનો બનતો હોય, તે મુજબ નહીં પરંતુ હળવી કલમ હેઠળ પોલીસ ગુનો નોંધે. પોલીસ આવું કેમ કરે છે? બર્કિંગના પ્રથમ ચાર કારણો અહીં પણ લાગુ પડે છે. પાંચમું કારણ એ છે કે ગુનો હળવો બને તો PI ને જાતે તપાસ કરવી ન પડે; તાબાના અધિકારીને તપાસ સોંપીને પોતે ચિંતામુક્ત થઈ શકે. મિનિમાઈઝેશનના કારણે વિક્ટિમના મનમાં પ્રશ્નો થાય છે : “ભોગ બનનારને પોલીસ મદદ કેમ કરતી નથી ? આરોપીને કેમ મદદ કરે છે? પોલીસ કોના માટે છે? અમારા ટેક્સના નાણાંમાંથી પોલીસનો પગાર થાય છે; અને અમને જ અન્યાય?” ગુનાના મિનિમાઈઝેશનથી ગુનેગારોને ફાયદો થાય છે; વિક્ટિમને ન્યાય મળતો નથી. 

હું ગોધરા ખાતે, નાયબ પોલીસ અધિક્ષક SC/ST હતો. 18 ઓગષ્ટ, 1994 ના રોજ, હાલોલ પોલીસ સ્ટેશનથી મને મેસેજ મળ્યો. એક 20 વર્ષની આદિવાસી મહિલાની છેડતીનો ગુનો IPC કલમ-354 તથા એટ્રોસિટી એક્ટ હેઠળ બપોરના 1:45 વાગ્યે નોંધાયો હતો. આ ગુનો આગલી રાત્રે 10:00 બન્યો હતો. વિક્ટિમને ઈજા થઈ હતી. મેસેજ વાંચતા ગુનો મિનિમાઈઝ થયો હોય તેમ લાગ્યું. હું તરત જ હાલોલ પહોંચ્યો. પોલીસ સ્ટેશનની લોબીમાં લોહીના ડાઘ હતા. મારી શંકા મજબૂત બની. ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી. ભોગ બનનાર મહિલાની પૂછપરછ કરી. એની આંગળીઓ ઉપર/છાતી ઉપર ઉઝરડા ઉઝરડા થઈ ગયા હતા. એનો ચણિયો અને બ્લાઉઝ ફાટી ગયા હતા. બીજા કપડા તેની પાસે ન હતા. એની આંખોમાંથી આંસુ દડી રહ્યા હતા. તે તળાવકાંઠે પ્લાસ્ટિકનું છાપરું કરીને પતિ સાથે રહેતી હતી. આજુબાજુમાં બીજું કોઈ છાપરું ન હતું. બન્ને છૂટક મજૂરી કરી પોતાનું પેટ ભરતા હતા. ચાર-પાંચ એલ્યુમિનિયમના વાસણ સિવાય એના છાપરામાં બીજું કશુંય હતું નહીં. છાપરાની બાજુમાં કાચની બંગડીના ટુકડાઓ પડ્યા હતા. એણે કહ્યું : “ગઈ રાતે દસેક વાગ્યે ત્રણ છોકરા આવ્યા હતા. મારા પતિને મારવા લાગ્યા; હું વચ્ચે પડી, મારી આંગળીઓ ઉપર દાતરડી મારી દીધી. મારા પતિને ભગાડી મૂક્યો. પછી ત્રણેયે મારી સાથે ખરાબ કામ કર્યું. મેં વિરોધ કર્યો તો મને મારઝૂડ કરી. 

હું સવારે નવ વાગ્યે પોલીસ સ્ટેશને ગઈ. મારી આંગળીઓમાંથી લોહી ટપકતું હતું.” આ ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ કરતા હતા. IPC કલમ-376(G) હેઠળ ગેંગરેપની ફરિયાદને બદલે IPC કલમ-354 હેઠળ છેડતીની ફરિયાદ PSO વજેસિંહે લીધી હતી. ગંભીર ગુનો મિનિમાઈઝ કર્યો હતો. વજેસિંહની દલીલ હતી : “સાહેબ, આ બજારું સ્ત્રી હોય તેમ લાગે છે. રેપ ન હોય. ખોટું બોલતી હોય. ગેંગરેપની ફરિયાદ લઈએ તો પોલીસનું ખરાબ દેખાય ! કોર્ટમાં કેસ ચાલે ત્યારે આ બાઈ પૈસા લઈને ફરી જશે !” આ કેસમાં IPC કલમ-376(G) તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(2)(5)નો ઉમેરો કરાવ્યો. તપાસ સર્કલ ઇન્સ્પેક્ટરને સોંપી. FSLની હાજરીમાં સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરાવ્યા. મેડિકલ એવિડન્સ મેળવ્યા. ત્રણેય આરોપીઓને એરેસ્ટ કર્યા; ડોક્ટર સમક્ષ રજૂ કરી તપાસણી કપાવી. ચાર્જશીટ કર્યું. સ્પેશિયલ કોર્ટે 11 ઓક્ટોબર, 1995 ના રોજ ત્રણેય આરોપીને 10 વર્ષની સખત કેદની સજા કરી.

બર્કિંગ અને મિનિમાઈઝેશનના કારણે પોલીસતંત્રની ઈમેજ ખરડાય છે, પોલીસ વગોવાય છે. પોલીસનો ડર ગુનેગારોને લાગતો નથી; નાગરિકોને લાગે છે ! આખા દેશમાં આ માહોલ છે. IPS અધિકારી પણ પોતાની પત્નીને/દીકરીને પોલીસ સ્ટેશને એકલી મોકલતા ડરે છે ! એને ખાતરી હોય છે કે પોલીસ તેની સાથે સારું વર્તન કરશે નહીં !