અંજલીતાઈ

નવા વર્ષની તમને અને વિજયભાઈને ખુબ શુભેચ્છા, સાથે આપના પરિવારના તમામ સભ્યોને સાલ મુબારક, આમ તો નવા વર્ષે આપણે તમામને સારી શુભેચ્છા જ આપતા હોઈએ છીએ. તેથી મારા આ પત્રને મારી શુભ ઈચ્છા જ સમજશો, જેને આપ ટીકાના સ્વરૂપમાં માની નારાજ થશો નહીં એટલી તો અપેક્ષા તમારી પાસે હું જરૂર રાખી શકું. વિજય રૂપાણીનો આ મુખ્યમંત્રી તરીકે બીજો તબ્બકો છે, આમ તો મુખ્યમંત્રી થયા પછી મારી અને તેમની મુલાકાત થઈ નથી, વિજયભાઈ સંગઠનનો હિસ્સો બન્યા અને અમદાવાદના ખાનપુર કાર્યાલયમાં આવતા ત્યારે અનેક વખત તેમને મળવાનું થતુ હતું, ત્યારથી આજ સુધી એટલે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી મારો તેમના અંગેનો જે મત છે તે પ્રમાણે લો પ્રોફાઈલ વ્યકિત અને નેતા છે, રાજકોટના વતની હોવા છતાં છાકો પાડી દેવાનો તેમનો સ્વભાવ નથી, તેમની સાલસાતાને લોકો નબળાઈ સમજે તે લોકોની સમજ છે.

મુખ્યમંત્રી થયા પછી પણ તેમના સ્વભાવમાં જીદ્દીપણું અને વિરોધી પ્રત્યે ડંખીલાપણું આવ્યું નથી તે માણસ તરીકેની તેમની ઉત્તમતા છે. હવે તમારી વાત કરીએ તમે અમદાવાદના મણિનગરની દક્ષિણી સોસાયટીમાં રહેતા હતા અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા ત્યારથી તમારો નાતો સંઘ અને ભાજપ સાથે જોડાયેલો છે, તમારું નામ અંજલી બક્ષી હતું અને તમે અંજલી રૂપાણી થયા તે એક સંજોગ છે. તમે અંજલી રૂપાણીના થયા હોત તો પણ તમારો નાતો સંઘ અને ભાજપ સાથે રહેવાનો જ હતો, તેમાં કોઈ શંકા નથી, પણ હવે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની છો અને સરકારી નિર્ણય અને સંગઠનની કામગીરીમાં તમારો મત રજુ કરો છો તે મતને આદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. આમ તમારા મતનું અર્થઘટન ખોટું થાય છે અને સરળ અર્થ એવો કરી લેવામાં આવે છે કે સરકારી કામમાં દખલ કરો છો અથવા સરકાર તમે ચલાવો છો.

આ કડવી લાગતી વાત હોવાને કારણે માફી સાથે મારી આગળ વધારું છું, મારૂ કામ લોકોની વચ્ચે ફરવાનું છે, લોકો શું માને છે, લોકોની તકલીફ શું છે તેનું સમાધાન શું હોઈ શકે તે તરફ વહિવટી તંત્રનું ધ્યાન દોરવાનું છે, દિવાળીના આ તહેવારો દરમિયાન અનેક સરકારી અધિકારીઓ, ભાજપના નેતાઓ અને સંગઠનના લોકોને મળવાનું થયું તેમની સાથેના વ્યકિતગત સંબંધમાં એક સુર નિકળતો હતો. અંજલીતાઈ સરકારી અધિકારીઓને સીધો આદેશ આપે છે, સંગઠનમાં અનેક સરકારી નિમણૂંકમાં તેમનો હસ્તક્ષેપ હોય છે. તમારા સંદર્ભમાં થઈ રહેલી વાતો કેટલી સાચી કેટલી ખોટી તેના ઉત્તમ જજ તમારી સિવાય કોઈ હશે નહીં, તમારા વિદ્યાર્થીકાળથી તમારો સંઘ અને ભાજપ સાથેના લગાવને કારણે કદાચ તમે રસ લેતા હશો, ત્યારે તમે ભુલી જતા હશો કે તમે મુખ્યમંત્રીના પત્નીનો છો, પણ તમારી ટીકા કરનાર ભુલતા નથી કે હાલમાં તમે મુખ્યમંત્રીના સરકારી બંગલામાં રહો છો.

મારો અનુભવ કહે છે હમણાં સુધી જેટલાં પણ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ થઈ ગયા અને તેમના પરિવારના કોઈને કોઈ સગાએ જ્યારે પણ સરકારી કામોનો હિસ્સો થવાનો પ્રયત્ન કર્યો ત્યારે આખરે નુકશાન તો મુખ્યમંત્રી અને મંત્રીઓને જ થયું છે, તેમના સંબંધીઓને નહીં. હમણાં સુધી વિજય રૂપાણીને નિશાન બનાવી શકાય તેવું કોઈ હથિયાર ભાજપમાં રહેલા રૂપાણીના વિરોધીઓ પાસે નથી, પણ મને લાગી રહ્યું છે કે પણ હવે વિજય રૂપાણીના વિરોધીઓ તમને નિમિત્ત બનાવશે, પછી વાત રાજકોટ કોર્પોરેશનની હોય કે અમદાવાદ કોર્પોરેશનની ત્યાં તમારી સૂચનાથી લેવામાં આવેલા નિર્ણયો સહિત અનેકની યાદી ખાનગીમાં તૈયાર થઈ રહી છે. મારે તમને કહેવાની જરૂર નથી તમે ખુદ પણ જાણો છો જ્યારે જ્યારે ભાજપના મુખ્યમંત્રીના પરિવારે સરકારી કામમાં પોતાને સામેલ કર્યા તે તમામ મુખ્યમંત્રીઓને હટાવતી વખતે આ મુદ્દો પણ મહત્વનો બની રહ્યો હતો. વિજય રૂપાણીના ગઢમાં ગાબડુ પાડવા માટે વિરોધી તમારો ઉપયોગ શતરંજના ઊંટ તરીકે કરશે.

હું આજ સુધી તમને ક્યારેય મળ્યો નથી, પરંતુ તમે પણ તમારો ઉછેર પણ ભાજપમાં થયો હોવાને કારણે સંભવ છે કે આ પત્રને અંજલીતાઈ તમે હકારાત્મક દ્રષ્ટીકોણથી જોવાને બદલે તમે ધુવાપુવા થઈ જશો કારણ ભાજપીઓ માટે જે સાથે નથી તે સામે છે તેવું માની લેવામાં આવે છે, પણ હું તો પત્રકાર છું હું કોઈ  પણ સરકાર સાથે નથી અને સરકાર સામે નથી મારૂ કામ લખવાનું છે અને તે જ કરૂ છું. જે હું કરૂ છું તેથી નારાજ થવાના બદલે એકલા બેસી મેં જે કહ્યું છે તે તરફ વિચાર કરજો કોઈ પણ રાજનેતા માટે મુખ્યમંત્રી થવાની અપેક્ષા હોય છે પણ ઈશ્વરની કૃપાને કારણે ઈશ્વરે વિજયભાઈને તે તક આપી છે, ત્યારે ઈશ્વર તરફથી મળેલી તકનો ઉપયોગ લોકોનું જીવન બદલાય તે માટે કેવી રીતે થાય તે માટે તમે કાયમ વિજયભાઈના સહયોગી રહેજો, પણ વિજયભાઈને મળી રહેલો તમારો સહયોગ જાહેર ના થાય તેની તકેદારી રાખજો...

રૂષભ અને રાધિકા મારી યાદ અને પ્રેમ,

આપનો નાનોભાઈ,

પ્રશાંત દયાળ