મેરાન્યૂઝ.અમદાવાદઃ  

પોલીસ

આમ તો  હું તમને દોસ્ત કહી સંબોધન કરૂ છું, પણ આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં તમારી કાયરતા જોઈ તમને આજે દોસ્ત કહેવાની ઈચ્છા થતી નથી, દેશની સંસદ અને ધારાસભાઓ કાયદાઓ બનાવે છે અને તમારૂ કામ કાયદાનું પાલન કરવાવાનું છે, તમે જ્યારેથી ખાખી પહેરી ત્યારથી દેશ દ્વારા તમને એક ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તમારે મારૂ અને મારા જેવા  કરોડો લોકોનું રક્ષણ કરવાની જવાબદારી છે. હું અને મારા જેવા કરોડો લોકો ક્યા ધર્મના છીએ. અમારો મત શું છે, અમે ગરીબ છીએ કે પૈસાદાર તેની સાથે તમારે કોઈ નીસ્બત નથી કારણ તમારા માથે રહેલી કેપમાં અશોક સ્તંભ છે. દેશનું સર્વોચ્ચ નિશાન તમારા માથે મુકવામાં આવ્યું છે કારણ તમે અમારા રક્ષણકર્તા છો.

દેશમાં હાલમાં જે કઈ એનસીઆર-સીએએના મુદ્દે ચાલી રહ્યું છે તેમાં તમારો પોતાનો મત કોઈ પણ હોય તે બાજુ ઉપર મુકી તમારે દેશમાં કોઈ વ્યકિત કાયદો હાથમાં લે નહીં તે જોવાની જવાબદારી તમારી છે તે પછી હિન્દુ-મુસ્લિમ હોય કે ભાજપ-કોંગ્રેસનો, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી એબીવીપીની ઓફિસને તાળુ મારવાનો એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાર્યકરો કરતા પોલીસની સંખ્યા વધારે હતી. આમ છતાં એબીવીપીની ઓફિસમાંથી હથિયારબંધ યુવકો બહાર આવે અને એનએસયુઆઈના કાર્યકરોને તમારી હાજરીમાં લોહીલુહાણ કરે અને તમે તમાશો જોતા રહો, એક વખત પોતાની જાતને પુછો  તમે પોલીસ હોવા છતાં તમારી હાજરીમાં હિંસા તાંડવ કરી રહ્યું હતું ત્યારે તમને જરા પણ શરમ આવી? હિંસા કોઈ પણ કરે તે ભાજપનો હોય કે કોંગ્રેસનો જ્યારે તે હિંસાનો ડંડો ઉપાડે તેની સાથે તમારે કાયદાનો ડંડો ઉપાડવાનો હતો, પણ જાણે તમે તો તમાશબીન હતા કારણ હિંસાનો આશરો લેનાર ભાજપના ટેકેદાર હતા.

નોકરી તો  દેશના કરોડો લોકો કરે છે, પણ તમે તો જાણે સ્વમાન ગીરવે મુકી દીધુ હોય તે રીતે નોકરી કરો છો, સરકારો તો આવતી જતી રહે છે. નેતાઓ  તમારી બદલીથી  વિશેષ કાંઈ કરી શકતા નથી, જો નેતાઓની આટલી બીક લાગે છે તો પોલીસમાં જોડાયા શું કામ, કોઈ બેન્કમાં કલાર્ક થઈ જવું હતું અથવા પાનનો ગલ્લો ખોલી બેસી જવું હતું, કોઈ તમને કોલર પકડી પોલીસની નોકરી કરાવા તો લાવ્યા ન્હોતા, પોલીસ થયા છો તો અંદરથી બહાદુર થાવ, લારીવાળા અને ટ્રાફીકના નિયમોને લઈને વાહનમાં નિકળતા માણસ સામે દંડા પછાડવામાં બહાદુરી નથી, જે કાયદો હાથમાં લે તેના હાથ ઉપર તમારો દંડો પડે તે બહાદુરી છે, તમે પોલીસ કોન્સટેબલ છો કે પોલીસ ઈન્સપેકટર તમારો હોદ્દો કોઈ પણ હોઈ શકે છે તમે તો ચોવીસ કલાક પોલીસ જ રહેવાના છો. જેંમના વર્દી ઉપર અશોક સ્તંભ અને ઈન્ડીન પોલીસ સર્વિસ લખેલું હોય તેવા બહાદુરોની સંખ્યા બહુ ઓછી થઈ રહી છે. કારણ સૌથી વધુ તેઓ ડરપોક હોય છે, કારણ તેમને સારા પોસ્ટીંગની અને સમયસર પ્રમોશનની ચિંતા હોય છે, આમ છતાં સાવ નિરાશ થવા જેવું પણ નથી.

આપણે ગૌરવ સાથે જેમનું નામ લઈ શકીએ તેવા એ કે સુરોલીયા, સતીષ વર્મા અતુલ કરવાલ, રાહુલ શર્મા અને રજનીશ રાય જેવા આઈપીએસ જોયા છે અને હજી પણ ગુજરાત પોલીસમાં તેવા અધિકારીઓ છે જે એક પોલીસ તરીકે તમે તેમની સામે જુવો, તેમણે ક્યારેય પોસ્ટીંગ અને સરકારમાં કોણ છે તે જોઈ નોકરી કરી નથી, તેના સારા માઠા પરિણામ પણ ભોગવ્યા છે. ડરપોક પોલીસ અધિકારીઓ સાથે કામ કરશો તો ડરપોક થઈ જશો, પોલીસ તરીકે અમને તમારી ઉપર સદૈવ માન રહે તેવું કામ કરો, કોઈ પણ પક્ષની સરકાર હોય તમારૂ કામ તો લોકોના રક્ષણનું છે સરકારમાં કોણ બેઠું છે તે તમારો વિષય નથી. તમારા શરીર ઉપર રહેલી ખાખી તમે જન્મયા ત્યારે ન્હોતી અને 58 વર્ષ પછી તમારા શરીર ઉપર આ ખાખી રહેવાની નથી પણ જ્યાં સુધી તમારા શરીર ઉપર ખાખી છે તેની ખુમારી જાળવી  રાખો, તપાસ ચાલુ છે, કોણે હિંસા કરી તેના સીસી ટીવી ફુટેજ જઈ રહ્યા છીએ, તેવા સરકારી જવાબ તમે પત્રકારોને તો આપશો પણ પોતાની જાત સાથે કયાં સુધી ખોટું બોલશો, તમારી આંખ સામે જ બધું થાય અને તમે ચુપચાપ જોયા કરો છો.

જો આવી જ કાયરતા રાખશો તો ગુંડાઓ તમારા પરિવારને પણ છોડશે નહીં કારણ ગુંડો-ગુંડો જ હોય છે તેને કોઈ ધર્મ અને પક્ષ હોતો નથી, અમે જોયું છે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાજપ જેને ગુંડા કહેતુ તે હવે ભાજપમાં છે અને કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ પાછા કોંગ્રેસમાં આવી જશે, પણ પોલીસ તરીકે તમારી જાતને પુછવું પડશે, કે રાત્રે નોકરી કરી તમે ઘરે પહોંચો ત્યારે અરીસા સામે ઊભા રહી તમારી આંખોમાં જોઈ પોતાને સવાલ પુછજો કે આજે મેં ખરેખર પોલીસ તરીકે કામ કર્યું છે કે નહીં, તમારી આંખોમાં જોઈ શકો તેવું કામ કરજો, તમારા સંતાનો  અંદર એવું માને કે મારા પિતા અથવા માતા ઉત્તમ પોલીસ અધિકારી છે તેના કરતા કોઈ મોટું ઈનામ નથી, તમે મારા દોસ્ત છો તેવું કાયમ કહેવાની ઈચ્છા થાય તેવું કામ કરો...

તમારો મિત્ર

પ્રશાંત દયાળ