રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): પોલીસખાતામાં ઉપરી અધિકારીઓ, નાના કર્મચારીઓ/અધિકારીઓ ઉપર શિસ્તના નામે ત્રાસ ગુજારે છે. કેટલાંક કિસ્સામાં કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ/પોલીસ સબ ઇન્સ્પેક્ટર આત્મહત્યા કરી લે છે. 2019 માં બે દર્દનાક ઘટનાઓ બની : ભાવનગરમાં કોન્સ્ટેબલ સુખદેવ શિયાળે પોતાના 2/3/7 વર્ષના ત્રણ બાળકોની  હત્યા કરી ! કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન બંદોબસ્તની ફરજમાં મૂકાયેલ PSI નિલેષ ફિણવિયાએ સર્વિસ રીવોલ્વરથી આત્મહત્યા કરી ! હું 9 જાન્યુઆરી, 1996 થી  27 જાન્યુઆરી, 1998 સુધી પાલિતાણા SDPO-સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ દિપસિંહ ગોહિલ મારા ડ્રાઇવર હતા, તે ખૂબ ઉમદા માણસ હતા. મારી બદલી થયા પછી તેમની પણ બદલી ભાવનગર હેડક્વાર્ટરમાં થઈ હતી. ચાર વર્ષ પછી તેમણે સરકારી રાયફલથી આત્મહત્યા કરી હતી. આવી ઘટનાઓ પાછળ મુખ્ય કારણ ટ્રેસ હોય છે. ટ્રેસ માટે મુખ્યત્વે ઉપરી અધિકારીઓનું મનસ્વીપણું જવાબદાર હોય છે.

વડોદરામાં પોલીસ કમિશ્રનરની પત્નીના ત્રાસના કારણે એક કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. આવી બાબતમાં, કોન્સ્ટેબલને ન્યાય મેળવવા હાઈકોર્ટમાં જવું પડે તે સ્થિતિ સંવેદનહીનતાનો પુરાવો છે. પોલીસ કમિશ્નરના પત્નીનો એવો ત્રાસ હતો કે તેમના બંગલે કોઈ કોન્સ્ટેબલ, ઓર્ડરલી તરીકે જવા તૈયાર થતા ન હતા ! બે મહિનામાં 60 ઓર્ડરલી બદલાવ્યા હતા ! કેટલાંક તો ઓર્ડરલીને ગુલામ સમજે છે ! ઓર્ડરલી એટલે ઉપરી પોલીસ અધિકારીઓના નિવાસસ્થાને કામ માટે ફાળવવામાં આવતા કોન્સ્ટેબલ. આ સામંતવાદી પ્રથાને તાત્કાલિક અસરથી નાબૂદ કરવાની જરુરિયાત છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે સીનિયર પોલીસ અધિકારીના પત્નીએ, વાયરલેસ વિભાગના 13 કર્મચારીઓને 14 કલાક સુધી સરકારી બંગલાના ગેરેજમાં ‘ગેરકાયદેસર અવરોધ’ કરી બેસાડી રાખ્યા હતા ! પીવાનું પાણી આપવાની માનવતા પણ ભૂલી ગયા હતા ! માણસ માણસ પ્રત્યે કેવો અભિગમ રાખે છે, એની સાથે કેવી રીતે વર્તે છે, એ એના કલ્ચરની સપાટી સમજવાનો માપદંડ છે. બીજાની લાગણીઓની સમજ કેળવવી, બીજાના હક્કોનો આદર કરવો, બીજાની ભૂલો પ્રત્યે ઉદાર બનવું એ સભ્ય માણસની ઉત્તમ નિશાની છે. નાનામાં નાના, ગરીબમાં ગરીબ માણસની પણ માનવીય ગરિમા હોય છે. એ ગરિમાનો સભાનતાપૂર્વક આદર કરવો, એમાં આપણા ઘમંડ કે અસંવેદના વડે ઘા ન મારવા અને જાતિ, ધર્મ, સ્ટેટસ, આર્થિક હાલત, ઊંચનીચ વગેરેથી ઉપર ઊઠી માનવીને માનવી તરીકે જ જોવો તે સર્વોચ્ચ સભ્યતાની નિશાની છે. કેટલાંક IPS અધિકારીઓ સામંતવાદી માનસિકતા ધરાવે છે. તાબાના મોટી ઉંમરના અધિકારીઓને/નાના કર્મચારીઓને ‘ગધા/બૈલ/બેવકૂફ’ જેવા ગંદા શબ્દોથી ઉતારી પાડે છે. PI/PSI/ASI/હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ પોતાની દાઝ નાગરિકો ઉપર કાઢે છે ! પોલીસ લોકો સાથે ગેરવર્તણૂક કરે છે, તેનું કારણ ઉપરી અધિકારી તરફથી પોતાનું થતું  અપમાન છે ! જેવું ઉપરથી મળે છે તેવું નીચે આપે છે ! પોલીસ ઈમેજમાં સુધારો કરવો હોય તો ટોચના પોલીસ અધિકારીઓની ‘ડેમોક્રેટિક મેનર્સ’થી જ શક્ય બને.

નાના કર્મચારીઓને ‘સામાન્ય વહીવટ વિભાગ’ના ઠરાવ તથા ‘પોલીસ મેન્યુઅલ’ની જોગવાઈઓની વિરુધ્ધ જઈને ‘ફરજમોકૂફ-સસ્પેન્ડ’ કરવામાં આવે છે. નાઈટમાં સૂતેલા મળી આવે કે રોડ ઉપરથી દારુ ભરેલો ટ્રક મળી આવે તો નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. પોલીસખાતામાં સૌથી વધુ ફરજમોકૂફીનું પ્રમાણ છે; અન્ય ખાતામાં સાવ ઓછું છે. ખાતાકીય તપાસ દરમિયાન નાના કર્મચારીઓનું શોષણ થાય છે. શું પોલીસના નાના કર્મચારીઓ જ ગુનેગાર છે? કેટલાંક પોલીસ અધિક્ષક-SP 40-50 કર્મચારીને સસ્પેન્ડ કરીને જિલ્લામાં ધાક જમાવી દે ! સસ્પેન્શન પછી ‘ખાતાકીય તપાસ’ ચલાવવાની કામગીરીનું ભારણ વધી જાય છે. પગલાં લેનાર SP ની બદલી થયા પછી ચાર-પાંચ વર્ષ સુધી તેનો નિકાલ થતો નથી. ગેરવહીવટનો આ નમૂનો છે. શિક્ષા કરવાના નિયમો લાગુ પાડવાનું એકસરખું ધોરણ નથી. સરખી ગેરવર્તણૂક હોય તોપણ એક કોન્સ્ટેબલને ઠપકો મળે; બીજાને 1000 રુપિયા દંડ થાય; ત્રીજાને એક મૂળ પગારનો દંડ થાય ! આ મનસ્વીપણું કહેવાય.

ઉપરી અધિકારીઓના મનસ્વીપણાના કારણે ક્યારેક નાના કર્મચારીઓ ટેન્શનમાં મૂકાઈ જાય છે. 10 ડીસેમ્બર 2002 થી 28 એપ્રિલ, 2003 સુધી હું સાબરકાંઠા SP હતો. 20 ડીસેમ્બરની આસપાસ OS-કચેરી અધિક્ષક હાઈકોર્ટની નોટિસ લઈને મારી પાસે આવ્યા. નોટિસ સાથેના કાગળો વાંચીને હું ચોંકી ગયો. એક હેડ કોન્સ્ટેબલને 90,000 નો દંડ અગાઉના SPએ કરેલ હતો; તે દંડની રકમ વસૂલ નહીં કરવા તેણે હાઈકોર્ટ સમક્ષ પીટિશન કરી હતી. આટલી રકમનો દંડ કરવાની જોગવાઈ ન હતી. મેં કહ્યું : “એફિડેવીટ તૈયાર કરો કે દંડ ખોટો કર્યો છે !” OS મને તાકી રહ્યા, પછી કહે : “સર, એક તો હાઈકોર્ટ આપણી ટીકા કરશે ! બીજું, બીજા 70 જેટલા હેડ કોન્સ્ટેબલ પણ હાઈકોર્ટમાં જશે !” હું વધારે ચોંક્યો. OSએ કહ્યું : “સર, 70 હેડ કોન્સ્ટેબલ/આસીસ્ટંટ સબ ઇન્સ્પેક્ટરને 35,000 થી લઈને 90,000 નો દંડ કરેલ છે. ગુનાની તપાસ પેન્ડિંગ રાખેલ તેથી કેસ દીઠ, એક અઠવાડિયાના 500 રુપિયા લેખે આ દંડ કરેલો છે !” મેં પૂછ્યું : “આટલી મોટી રકમનો દંડ કરતા પહેલા લેખિત કારણદર્શક નોટિસ આપી હતી?” OS કહે : “ના, સર. રુબરુ બોલાવીને તત્કાલીન SP સાહેબે પૂછ્યું હતું કે કેસ કાગળો પેન્ડિંગ કેમ રાખેલ છે?” હું મૂઝાયો. એક તો આટલી મોટી રકમનો દંડ ન થઈ શકે. બીજું દંડ કરતા પહેલા નોટિસ આપવી પડે. રુબરુ સાંભળીને દંડ ન થઈ શકે. હાઈકોર્ટ ધૂળ કાઢશે, એ નક્કી હતું. મેં પીટિશન કરનાર હેડ કોન્સ્ટેબલને બોલાવ્યા. એમની રજૂઆત સાંભળી. મેં એમને 15 દિવસની મુદત લેવા કહ્યું.

તેમણે સહમતી આપી. મેં તરત જ એક અહેવાલ તૈયાર કર્યો અને ઉપરી અધિકારી, ગાંધનગર રેન્જના IGP પ્રમોદકુમારને મોકલ્યો. તેમણે કર્મચારીઓને થયેલ દંડ કેન્સલ કરવા 1 જાન્યુઆરી, 2003 ના રોજ સૂચના આપી. આમ 70 કર્મચારીઓના દંડ કેન્સલ થયા અને જે કિસ્સામાં દંડની રકમ વસૂલ કરી હતી, તે રકમ પણ પરત કરી. રોકડ દંડની શિક્ષા હેડ કોન્સ્ટેબલને કરીએ ત્યારે તે શિક્ષાની અસર તેના પરિવારના રસોડા; તેમના બાળકોના શિક્ષણ ઉપર પડે છે ! કર્મચારીની શિક્ષા, તેમનો પરિવાર શામાટે ભોગવે ? હૈદરાબાદ પોલીસે ઉપરી અધિકારીનું મનસ્વીપણું રોકવા પ્રથમ/બીજી/ત્રીજી ગેરવર્તણૂક; એ રીતે શિક્ષાના ધોરણો નિયત કરેલ છે. ગુજરાતમાં પંચાયત/રેવન્યૂ/બેંકના કર્મચારીઓની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ અનેક છે; પરંતુ પોલીસની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એકપણ નથી ! ગુજરાતમાં 80 હજારથી વધુ નાના પોલીસ કર્મચારીઓ છે; એમના કલ્યાણની ચિંતા કરનાર કોઈ અધિકારી નથી. હૈદરાબાદમાં ‘IGP પોલીસ વેલ્ફેર’ની જગ્યા છે, જે પોલીસ કર્મચારીઓના કલ્યાણની ચિંતા કરે છે; આપણે આવું ન કરી શકીએ ?

(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે)