મેરાન્યૂઝ નેટવર્ક. ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા અકસ્માતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ભિલોડાની હાથમતી નદી નજીક બેફામ બાઈક ચાલકે સીઆરપીએફ જવાનની બાઈકને અડફેટે લેતા બાઈક પર બેઠેલી તેમની પત્ની રોડ પર પટકાતા પાછળથી આવતા ટ્રેક્ટરના ટાયર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.

અકસ્માતમાં સીઆરપીએફ જવાનની પત્નીનું મોત નિપજતા સીઆરપીએફ જવાન તેની પત્નીના મૃતદેહને પકડી ભારે કલ્પાંત કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વિજયનગરના બાલેટા ગામના અને છત્તીસગઢ ખાતે સીઆરપીએફ માં ફરજ બજાવતા કીર્તિ કુમાર વિજયચતુર ગામેતી નામનો જવાન તેની પત્ની સોનલબેનની  ભિલોડા હોસ્પિટલમાં સારવાર કરાવી તેની સાસરી વાંકળા ગામે સાસરીમાં જઈ પરત ફરતા ભિલોડા હાથમતી નદી પાસેથી પલસર બાઈક પર પસાર થતા સામેથી આવતા પલ્સર ચાલકે બેફામ અને પુરઝડપે બાઈક હંકારી સીઆરપીએફ જવાનની બાઈકને અડફેટે લેતા બાઈક સવાર સીઆરપીએફ જવાન અને તેની પત્ની નીચે પટકાતા પાછળથી આવતા ટ્રેક્ટરના ટાયર સોનલબેનના મોઢાના ભાગે ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા સીઆરપીએફ જવાનની આંખો સામે તેની પત્નીનું પ્રાણ પંખેરું ઉડી જતા સીઆરપીએફ જવાન કિર્તિકુમારે ભારે આક્રંદ કરી મુકતા આજુબાજુથી લોકો દોડી આવી શાંત્વના આપી હતી.

અકસ્માતની ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક સોનલબેનની લાશને પીએમ માટે ખસેડી અકસ્માત સર્જી ફરાર થઈ જનાર અજાણ્યા પલ્સર બાઈક ચાલક અને ટ્રેક્ટર ચાલક સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી  હતી